જિગ્નેશ મેવાણી -રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત

- November 03, 2017
નવસારી: જિગ્નેશ મેવાણી -રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત, જિગ્નેશ મેવાણી નવસર્જન યાત્રામાં જોડાયા
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને દલિત નેતા જિગ્નેશ મેવાણી વચ્ચે નવસારીના ઇટાળવામાં બંધ બારણે મુલાકાત થઇ હતી. બેઠકમાં અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યાં હતા.


વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેરાત થતાં શરૂ થયેલા રાજકીય ધમધમાટ વચ્ચે દલિત નેતા જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે કે કેમ? તેને લઇને અટકળો શરૂ થઇ ગઇ હતી. દરમિયાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે ત્યારે શુક્રવારે રાહુલ ગાંધી અને દલિત નેતા જિગ્નેશ મેવાણી વચ્ચે નવસારીના ઇટાળવાના બી.આર.ફાર્મમાં બંધ બારણે બેઠક થઇ હતી. અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યાં હતા. બેઠકમાં ગુજરાતમાં દલિતોને થતા અન્યાય અને માંગના મુદ્દે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં આવશે એમ મનાઇ રહ્યું છે.

રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ જિગ્નેશ મેવાણી કોંગ્રેસની નવસર્જન યાત્રામાં જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, અમારી માંગો વિશે બેઠકમાં રજૂઆત થઇ હતી. હજી કેટલીક માંગો વિશે રાહુલ સાથે મુલાકાત કરીશ એમ કહેતા મેવાણીએ કહ્યું હતું કે, સરકારનું જનવિરોધી વલણ છે.