કેટલું પરિણામ લક્ષી છે બે ભાગમાં વહેચાયેલું ગુજરાતનું દલિત આંદોલન...???

- November 25, 2017
મિત્રો, ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. દરેક સમાજ પોતાની વર્તમાન સરકાર પ્રત્યેની નારાજગી અને પોતાના હક્કની માગણી ગાઈ-વગાડીને કરી રહ્યો છે. દરેક વર્ગની નારાજગી અને સતત 22-25 વર્ષની સત્તા સામે એન્ટી ઈન્કમ્બસી વોટનો ખતરો...આ બધું જોતા કોંગ્રેસ કોઈપણ ભોગે ગુજરાતમાં સત્તા મેળવવા માગે છે. અને તે માટે ખુદ રાહુલ ગાંધીએ ગુજરાતની કમાન સાંભળી છે.  તો ભાજપ કોઈપણ ભોગે સત્તા જાળવી રાખવા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને પણ ગુજરાત બચાવવા પ્રયત્નશીલ છે.

   ગુજરાતમાં પહેલીવાર 7% દલિતોના વોટની કિંમત જાણે કે થઈ રહી છે. એના મૂળમાં ઉના પછી ગુજરાતમાં ઊભા થયેલા દલિત આંદોલન-આક્રોશ છે. ગુજરાતમાં ઠેર ઠેર દલિત સ્વભિમાનની લડાઈ થઈ. ઉનાથી શરૂ થયેલી આ આગ સમગ્ર દેશ-વિદેશમાં ફેલાઈ. જેના માટે જે પણ લોકોએ પ્રયત્નો કર્યા તે સૌ અભિનંદનને પાત્ર છે...વંદનને પાત્ર છે. આ દલિત આંદોલન ઊભું કરવા પાછળ ભોગ આપનારા અનેક આગેવાનો અને ઘટનાઓ છે જેની નોંધ લેવી જ રહી.


1. સૌ પ્રથમ તો ઉના અને આજુબાજુના પંથકના દલિતોને ધન્યવાદ આપવા પડે કે તેઓએ આ કપરા સમયમાં એકતા રાખી બુલંદ અવાજે વિરોધ પ્રદર્શન કર્યું અને સમગ્ર ગુજરાતનું ધ્યાન દોર્યું. જેના માટે બાલુભાઈ સરવૈયા તથા તેમનો પરિવાર અને ભાઈ જીતુ સરવૈયા, કેવલસિંહ રાઠોડ અને બીજા સૌ મિશનરી મિત્રો આ આંદોલનને હવા આપવામાં નિમિત્ત બન્યા.

2. આ આંદોલનને આગની જેમ પ્રસરાવવામાં સિંહ ફાળો આપનાર ગોંડલના અનિલ માધડ અને તેના ચાર મિત્રોએ દવા પી વહીવટી તંત્રને દોડતું કર્યું અને સમાજને આંદોલિત કર્યો...ઢંઢોળ્યો.

3. પછી તો સમગ્ર ગુજરાતમાંથી 32 જેટલા દલિત યુવાનોએ દવા પી પોતાનો ગુસ્સો પ્રદર્શિત કર્યો અને તંત્રને ઢંઢોળ્યું. કેટલાકે ખૂબ જ ઝેરી દવા પીધી. જેમ ધોરાજીના મોટી પરબડીના યુવાન યોગેશ સરીખડાનું અવસાન થયું.

4. ગુજરાતના દલિત આગેવાનો દોડતા થયા અને ઉના જઈ પીડિતોની ખબર પૂછવા લાગ્યા. સત્તાધારી પક્ષના શમ્ભુનાથ ટૂંડિયા સહિતના ભાજપના અને કોંગ્રેસના નેતાઓ પણ સ્થળ મુલાકાત કરી નિવેદનો કરવા લાગ્યા.


5. રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગ તાત્કાલિક હરકતમાં આવ્યું અને રાજુભાઇ પરમાર સહિતની ટીમે ઉના અને સમઢીયાળાની મુલાકાત લીધી અને વહીવટી તંત્રનો ઉધડો લીધો. ઘટના જ્યાં બની હતી તે સ્થળની મુલાકાત પણ કરી. લગભગ 20 જેટલી સરકારી ગાડીઓના કાફલા સાથે આયોગની મુલાકાત અને કાર્યવાહી અસરકારક- પરિણામ લક્ષી રહી. કલેકટર અને sp તુરંત એક્સનમાં આવ્યા અને PI ઝાલા અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાવ્યા. 43 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની સૂચના આયોગે આપી અને પીડિત પરિવાર પાસેથી પુરાવા લઈ પોલીસ વિભાગને  આપી તાત્કાલિક સૌ આરોપીઓની ધરપકડ કરવા તાકીદ કરી.

6. ગોંડલ અને જામકંડોરણાના મિત્રોએ દવા પીધી તેના ઉગ્ર પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા. રાજકોટ, અમરેલી સહિત અનેક જગ્યાએ ટોડ ફોડ અને આગજનીની ઘટનાઓ બની. ઉગ્ર દેખાવો, વિરોધ પ્રદર્શન, રેલીઓ, ધારણા, આવેદનોનો દોર સમગ્ર ગુજરાત અને ભારતમાં શરૂ થયો.

7. રાજ્યસભામાં બહેન કુ.માયાવતીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને સમગ્ર દેશ અને દુનિયામાં ઉનાકાંડ ચમક્યું.

8. રાહુલ ગાંધી, કેજરીવાલ, પ્રકાશ આંબેડકર , બહેન કુ. માયાવતી, આનંદીબેન સહિત દેશના ટોચના રાજકીય નેતાઓના ગુજરાત-ઉના દોરા શરૂ થયા. રાજકારણ ગરમાયુ. મોદી પ્રેસરમાં આવ્યા અને ગૌ રક્ષના નામે ચાલતી ગુંડાગર્દીને વખોડી.

9. અમદાવાદમાં પણ વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો થયા અને સમગ્ર ગુજરાતના દલિતોનું મહા સંમેલન બોલાવવામાં આવ્યું. જેમાં આરંભે રમેશચંદ્ર પરમાર, વલજીભાઈ પટેલ, નીતિન ગુર્જર, સમ્રાટ અશોક વગેરે એક્ટિવ રહ્યા અને આ સભામાંથી ગુજરાત અને દેશને જીગ્નેશ મેવાણી જેવા હોંશિયાર યુવા નેતા પ્રાપ્ત થયા. જીગ્નેશ અને સાથી મિત્રોએ અમદાવાદથી ઉના પદયાત્રા કરી અને ઉનામાં 15 ઓગસ્ટ 50,000 જેટલા દલિતોને જમીન આપવા સહિતની વિવિધ માગણીઓ કરી.

10. અમદાવાદ દલિત મહાસંમેલનના આગળના દિવસે ડૉ. સુનીલ જાદવે ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના ટોચના 50 દલિત આગેવાનો, ઉદ્યોગપતિઓ, કર્મશીલોની એક મીટીંગ રાજકોટ ખાતે બોલાવી અને સમાજ હિત માટે સૌએ સાથે મળી સમગ્ર ગુજરાતના દલિત આગેવાનોને સાથે રાખી સરકારનું નાક દબાવી દલિતો માટે વિષેશ પેકેજ અને ન્યાયની માંગણી કરતું આવેદન, રજુઆત મુખ્યમંત્રીને કરવા દલિત હિત સંદર્ભે મહત્વની ભૂમિકા રચી. પરંતુ કેટલાક વિઘ્ન સંતોષિઓએ એ સમાજહિતનો પ્રયાસ નિસ્ફળ બનાવ્યો.

11. અમરેલીમાં નવચેતન પરમાર અને કાંતિ વાળાએ જોરદાર આંદોલન કર્યું અને જેલવાસ પણ ભોગવ્યો. ગુજરાતના અનેક આંદોલનકારી યુવાનો જેલભેગા થયા.

12. રાજકોટમાં સિદ્ધાર્થ પરમાર અને એમની ટીમે પ્રકાશ આંબેડકર અને માર્ટિન મેકવાન સાથે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં હજારો દલિતોનું સંમેલન બોલાવ્યું અને ઉના માટે ન્યાય માંગ્યો.

13. ગુજરાતના બે દલિત લેખકો સુરેન્દ્રનગરના અમૃત મકવાણા અને રાજકોટના ડૉ. સુનીલ જાદવે ગુજરાત સરકારને એવોર્ડ પરત કરી ઉના દલિત અત્યાચારનો વિરોધ કર્યો.

14. ડૉ. સુનીલ જાદવ અને તેમની ટીમે રાજકોટમાં હજારો દલિતોને 'દલિત સ્વાભિમાન સંમેલન'માં એકઠા કરી ફરી દલિત અત્યાચાર સંદર્ભે ન્યાય માંગ્યો અને 18 મુદ્દાની માંગણી ફરી દોહરાવી.

15. જૂનાગઢના મિત્ર દેવેન વાણવી અને ડો. જયન્તિ મકડીયાએ પણ યાત્રા કાઢી વિરોધ કર્યો. ગોંડલના અનિલ માધડે પણ યાત્રા કાઢી.

16. આ સમય દરમ્યાન નવસર્જન ટ્રસ્ટ અને માર્ટિન મેકવાન પણ સતત સક્રિય રહ્યા. અને સમાજ જાગૃતિ સંદર્ભે સતત કાર્યક્રમો આપ્યા અને આંદોલનને જીવતુ રાખ્યું.

17. જામનગરના જીતુ ચાવડા અને રાજકોટના ડી.ડી.સોલંકીએ પણ સતત કાર્યક્રમો આપી સમાજને મદદરૂપ થવાનું કામ કર્યું.

આમ, ગુજરાતના દલિત આંદોલનને ઊભું કરવામાં અનેક મિત્રોનો સિંહ ફાળો રહ્યોં છે.

  હાલ, આ આંદોલનનો ચહેરો ભાઈ જીગ્નેશ મેવાણી બન્યા છે. એમની આવડત, હોંશિયારી અને વકચતુર્યથી મીડિયા પણ નેશનલ કક્ષાએ એમની વાતની નોંધ લેતું થયું છે. આ યુવાને ગુજરાતના દલિતોમાં એક આશા જગાવી છે. નવી ચેતનાનો સંચાર કર્યો છે. રસ્તા રોકો, રેલ રોકો, રેલી, સભા, જનજાગૃતિ દ્વારા સતત પ્રવૃતિશીલ રહેનાર જીગ્નેશ મેવાણી યુવાનોમાં ખાસ્સું આકર્ષણ જગાવી શક્ય છે.
 બીજી બાજુ તેમની કાર્યશૈલીથી નારાજ એવા સમ્રાટ અશોક, ડો.માકડીયા, કિરીટ રાઠોડ, રાજુ સોલન્કી, વલજીભાઈ પટેલ વગેરે મિત્રો માર્ટિનભાઈ સાથે મળી નોખો ચોકો રચી આંદોલન ચલાવી રહ્યા છે.
 
   ચૂંટણી આવતા આંદોલનકારી યુવાનોની નોંધ લેવાઈ, જેથી જીગ્નેશ મીડિયામાં છવાયેલ રહ્યો. જેથી રાહુલ ગાંધીએ તેની સાથે મુલાકાત કરી.  જેથી સામે પક્ષે સૌ એકઠા થઇ માર્ટિન ભાઈની સંસ્થામાં રાહુલને લઈ આવ્યા.

મિત્રો, આ બધું થયું પણ પરિણામલક્ષી ન થયું. કોઈપણ આંદોલન પરિણામલક્ષી હોવું જ જોઈએ. કોંગ્રેસે આપણી વાત સાંભળી પણ સત્તામાં ભાગીદારી ન આપી...! મને લાગે છે આ બાબતમાં આપણે ક્યાંક તો મારી ખાઇ જ ગયા છીએ.

  આમ, દલિત આંદોલન જોરદાર ઊભું થયું. પણ એનો પોલિટીકલી કોઈ ફાયદો દલિત સમાજને ન થયો...! ધારાસભામાં તો ભાજપ કોંગ્રેસના શિસ્તબદ્ધ સૈનિકો જ જવાના છે. સમાજની દાઝ વાળો કોઈ આંદોલનકારી ધારાસભામાં જઈ નથી શકવાનો. આપણા સૌના સંકલનના અભાવે આ બધું થયું. જો ચાર-પાંચ આંદોલનકારી પ્રતિનિધીઓ ધારાસભામાં પહોંચી શક્યા હોત તો દલિતોના હક અને અધિકાર સંદર્ભે અવાજ ઉઠાવત. SC ની ગ્રાન્ટ એ સમાજના  ઉત્કર્ષ માટે જ વપરાય તે બાબતનું ધ્યાન રખત. અત્યાચાર ની ઘટનાઓ વખતે અવાજ ઉઠાવત. પણ અફસોસ એ કે આપણે આપણા પ્રતિનિધીઓ નથી મોકલી શક્યા. મારા વિશે કેટલાક મિત્રો શંકા-કુશંકા કરે એ મિત્રોને મારે ખુલીને કહેવું છે કે,  મેં એક પણ પાર્ટીની ટીકીટ નહોતી માંગી. મારે જો ધારાસભ્ય જ બનવું હોત તો હું એ ભૂમિકામાં અત્યારે ચોક્ક્સ હોત. પણ સમાજ હિત સંદર્ભે મેં સમાજ વિરોધી વિચારધારાને ક્યારેય પસંદ નથી કરી. પણ જો સમાજ હિતમાં એ ભૂમિકામાં જવું પડત તો પણ હું ચોક્ક્સ ધારાસભામાં જાત. અને આપણા આંદોલનકારી કોઈ મિત્રો ધારાસભામાં નથી જઈ શક્ય એનો મને અફસોસ પણ છે. મિત્રો, આપણે ગમે તેટલા હોંશિયાર હોઈએ. સત્તા વગરનું શાણપણ નકામુ છે. અને બીજી પણ એક ચોખવટ કરી દઉં... હું જીગ્નેશ કે બીજા કોઈ આંદોલનકારીઓનો વિરોધી નથી. આંદોલનની મર્યાદાઓ કે ભૂલો ચીંધવાથી આંદોલન વધુ મજબૂત થાય. હું આંદોલનકારી...ક્રાંતિકારી ભીમ સૈનિક છું. આંદોલનને નુકસાન કરવાનું સ્વપ્નેય ન વિચારું...! બાબાસાહેબના ક્રાંતિરથને ધક્કો મારી આપણે સૌ આગળ લઈ જઈએ. આ મારા પોતાના અંગત વિચારો છે. સમાજના સૌ આગેવાનો સહમત હોય પણ ખરા અને ન પણ હોય. બધાને પોતપોતાનો મત-વિચાર હોવાનો. મેં પૂરી પ્રામાણિકતાથી અને સમાજપ્રત્યેની નિષ્ઠાથી મારો વિચાર રાખ્યો છે. આપ સૌ પણ આપનો વિચાર ...આપનો મત રાખો એવી વિનંતી.
-ડૉ. સુનીલ જાદવના ક્રાંતિકારી જય ભીમ.