આ એ જ ખુરસી છે, જેમાં બેસીને બાબાસાહેબે અઢાર-અઢાર કલાક સુધી આ દેશનું બંધારણ ઘડ્યું...

- November 24, 2017
ઐતિહાસિક ખુરસી....
મિત્રો, આ એ જ ખુરસી છે, જેમાં બેસીને બાબાસાહેબે અઢાર-અઢાર કલાક સુધી આ દેશનું બંધારણ ઘડ્યું. બીજા અનેક પુસ્તકો પણ લખ્યા. હા, આ વિશિષ્ટ પ્રકારની ખુરસી છે. જેના હાથામાંથી બીજા બે હાથા બહાર આવે એવા ફોલ્ડીંગ છે. જે પહોળા કરી તેના પર પગ લાંબા કરી સૂઈ શકાય. બાબાસાહેબ લખીને થાકી જતા ત્યારે આ ખુરસીના એ વિશિષ્ટ હાથા ખોલી તેના પર પગ લાંબા કરી આરામ કરતા. અને થોડો આરામ કરી ફરી જાગીને સતત લખતા રહેતા. પોતાના શરીર પાસેથી આ રીતે વધુપડતું કામ લઈ એ મહામાનવે પછાતોના ઉદ્ધાર માટે પોતાની જાત ઘસી નાખી. કરોડો પદદલિતોના ઉત્થાન માટે પોતાના શરીર પર અત્યાચાર કરી વધુ પડતું કામ લેવાથી જ બાબાસાહેબ વિવિધ રોગનો ભોગ બન્યા અને ફક્ત 65 વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા. બાબાના આ અમર બલિદાનનો બદલો આપણે તો શું વાળવાના હતા...! ક્યારેય ન ચૂકવી શકાય એવું એ ઋણ છે. અને એટલે જ કરોડો દલિતો, પછાતો, આદિવાસીઓના આ ઉધ્ધારકના આ દેશમાં સૌથી વધુ પૂતળા છે. અને સમગ્ર વિશ્વ તેમની પૂજા કરી રહ્યું છે...તેમના વિચારોને આચરણમાં મુકવા પ્રયત્ન કરી રહ્યું છે.

ખેર,  આપણે ખુરશીની વાત કરીએ.  આ વિશિષ્ટ ખુરસી હાલ મુંબઈની સિદ્ધાર્થ કોલેજની લાઈબ્રેરીમાં રાખવામાં આવી છે. જ્યાં સતત આમ્બેડકરવાદીઓ તેના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.
   આજે ભારતમાં જ્યારે ખુરસી માટે જાત જાતની ગંદી રાજરમત રમાઈ રહી છે અને માનવીય મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે ત્યારે આ ખુરસીમાંથી રાજકારણીઓએ પ્રેરણા લેવી જોઈએ કે ખુરસી ફક્ત રાજનીતિ માટે જ નથી હોતી. સમાજના ઉત્કર્ષ-ઉદ્ધાર માટે પણ તેનો ઉપયોગ થઈ શકે.
- ડૉ. સુનીલ જાદવના ક્રાંતિકારી જયભીમ