બોરસદ તાલુકાના ભાદરણિયા ગામમાં દશેરાએ ગરબા જોવા ગયેલા દલિત યુવક ી હત્યા..

- October 02, 2017


બોરસદ તાલુકાના ભાદરણિયા ગામમાં દશેરાએ ગરબા જોવા બાબતે ઝઘડો કરીને દલિત યુવાનને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી ગઈ હતી. શનિવાર રાત્રે આઠ યુવાનોએ અહીંયા ગરબા જોવા કેમ આવ્યો તેમ કહીને ઝઘડો કર્યા બાદ દલિત યુવાનને માર મારી દીવાલ સાથે અથડાવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું હતું. હત્યાના પગલે હોબાળો મચી જતાં કલેક્ટર અને પોલીસ અધિકારીઓ ભાદરણિયા ગામમાં દોડી ગયા હતા. ભાદરણ પોલીસે ગુનો નોંધી આઠ આરોપીને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. ભાદરણિયા ગામમાં વણકર વાસમાં રહેતો જયેશ સોલંકી શનિવાર રાત્રે સોમેશ્વર મંદિર સામે યોજાતા ગરબા જોવા માટે ગયો હતો. દરમિયાન સવારે સાડા ચાર વાગ્યે જયેશના કાકાના દીકરા પ્રકાશને ગામમાં રહેતા સંજય ઉર્ફે ભીમો ઠાકોર પટેલે “અહીંયા શું જોવા બેઠો છે” કહી અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં સંજય અને થોડે દૂર ઊભેલા તેના મિત્રો ચિંતન પટેલ, ધવલ પટેલ, જીજ્ઞેશ પટેલ, ઋત્વીજ પટેલ, તેનો ભાઇ વીકી તથા રીપેન પટેલ, દીપેશ પટેલ સાથે મળીને પ્રકાશ સાથે મારા મારી શરૂ કરી હતી. પ્રકાશને માર મારતા જોઈને તેનો પિતરાઈ જયેશ સોલંકી છોડાવવા વચ્ચે પડ્યો હતો. સંજય પટેલ સહિતના શખ્સોએ જયેશને બાજુમાં લઈ જઈને માર માર્યો હતો બાદમાં સંજય ઉર્ફે ભીમાએ તેને ઊંચકી વરંડાની દીવાલ સાથે પછાડ્યો હતો. બાદમાં ગડદાપાટુંનો બેફામ માર માર્યો હતો. સ્થાનિક યુવક મંડળના સભ્યોએ વચ્ચે પડીને ઝઘડો શાંત કર્યો હતો. જોકે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત જયેશને સારવાર અર્થે તાત્કાલિક પહેલા બોરસદ અને બાદમાં કરમસદ ખાતે ખસેડાયો હતો. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દલિત યુવાનની હત્યાના પગલે લોકોનું ટોળું ભાદરણ પોલીસ સ્ટેશન પહોંચી જઈને આરોપીઓની ધરપકડ કરવા હોબાળો મચાવ્યો હતો. હત્યાના પગલે કલેક્ટર અને પોલીસ અધિકારીઓ ભાદરણિયા ગામમાં દોડી ગયા હતા. ભાદરણ પોલીસે ગુનો નોંધી આઠ આરોપીને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.