આભડછેટ થી આઝાદી ક્યારે ?

- September 24, 2017
"અસ્પૃશ્યતા નિવારણ એ મારો જન્મસિધ્ધ અધિકાર છે અને હું તેને લઈ ને જ જંપીશ" આ સંકલ્પ સાથે હું કેવલસિંહ રાઠોડ મારો આજનો આ આર્ટીકલ વિશ્વરત્ન બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરજી ને સમર્પિત કરૂં છું.

અસ્પૃશ્ય અર્થાત જેનો સ્પર્શ કરવો વર્જીત છે, જેને અડકવું પાપ ગણવામાં આવે છે, આવી વ્યકિત ના સ્પર્શ થી અપવિત્ર થઈ જવાય એવી માનસિકતા ધરાવતા જાતિવાદી લોકો દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થા એટલે આભડછેટ.

દુનિયા માં ભારત જ એક એવો મહાન દેશ છે કે જ્યાં એકવીસમી સદી નાં આધુનિક યુગ માં પણ હજુ અસ્પૃશ્યતા અનુભવી શકાય છે. આઝાદી ના 70 વર્ષ પછી પણ ભારત માં પ્રવર્તતી અસ્પૃશ્યતા સમગ્ર દેશ માટે સૌથી મોટી શરમ ની વાત છે.


ભારતીય બંધારણ નાં અનુચ્છેદ 17 મુજબ અસ્પૃશ્યતા નિવારણ બાબતે કડક જોગવાઈ કરવામાં આવી છે. અસ્પૃશ્યતા નિવારણ ની આ જોગવાઈ ને મુળભુત અધિકારો અંતર્ગત સમાવી ભારત દેશ નાં કરોડો લોકો ને સમાન હક્ક આપવાની બંધારણીય વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ખુબ દુઃખ સાથે  પુછવું પડે છે કે અસ્પૃશ્યતા નિવારણ ની આ જોગવાઈઓ જમીની સ્તર પર કેટલી કારગત નીવડી છે ?

અસ્પૃશ્યતા સામે સૌપ્રથમ તથાગત બુદ્ધે બંડ પોકાર્યુ અને જાતિવાદ પર આધારીત વર્ણ વ્યવસ્થા ખતમ કરવા ખુબ જ સંધર્ષ કર્યો ત્યારબાદ કબીર, રોહીદાસ, વીર મેઘમાયા, રામદેવપીર જેવા અનેક મહાપુરૂષોએ પોતાની જાતનું બલિદાન આપી અસમાનતા વાળી આ અન્યાયી વ્યવસ્થા સામે આજીવન સંધર્ષ ચાલુ રાખ્યો હતો.

પ્રાચિન ભારત માં આભઠછેટ ના ઇતિહાસ બાબતે સંશોધન કરતા ધણાં બધા અલગ-અલગ મત જોવા મળે છે પરંતુ તે બધા માં સર્વસામાન્ય ઐતિહાસિક મત ની વાત કરીએ કે જેને દુનિયા ના ઇતિહાસ માં આગવું સ્થાન આપવામાં આવ્યું છે તેમજ દેશ ના સૌથી પ્રસિધ્ધ અંગ્રેજી અખબાર 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' દ્વારા 21 મે 2001 ના દિવસે પોતાના છાપા નાં પ્રથમ પેજ પર આ સિંદ્ધાંત નું પ્રતિપાદન કરવામાં આવેલું તે મુજબ ભારત એ સૌપ્રથમ અંહીયા ની મુળનિવાસી ગણાતી દ્રવિડીયન પ્રજા નો દેશ હતો. એ લોકો નો વર્ણ મુખ્યત્વે કાળો તથા કદ-કાઠી માં ઠીંગણા હતા.

ઈ.સ.પુર્વે 1500 ની આસપાસ જ્યારે વોલ્ગા નદી નાં કાંઠે આવેલા યુરેશીયા પ્રદેશ થી વિદેશી આર્યો નું ભારત માં આક્રમણ થયું ત્યારે તેઓ પોતાની સાથે પોતાનો ધર્મ તથા સંસ્કૃતિ લઇને આવેલા. વિદેશ થી આવેલા આર્ય લોકોએ છળ-કપટ નાં માધ્યમ થી અંહીયા ની મુળનિવાસી પ્રજા ને ગુલામ બનાવી દેશ ઉપર પોતાનો કબ્જો જમાવી લીધો.

તે પછી સમય જતાં આ વિદેશી આર્યો દ્વારા મનુસ્મૃતિ નું સર્જન કરવામાં આવ્યું. મનુસ્મૃતિ ની વ્યવસ્થા પ્રમાણે નાં કાયદા-કાનુન ને માનવા માટે અંહીની કેટલીક પ્રજા તૈયાર થઈ અને આર્યો ની ગુલામી સ્વિકારી લીધી તેઓ શુદ્ર (OBC) તરીકે ઓળખાયા. જ્યારે બીજી પ્રજા આ અન્યાયી કાયદા ને માનવાને બદલે ગામ માંથી સ્થળાંતરીત થઈ જંગલ તરફ જતી રહી જે આદીવાસી (ST) તરીકે ઓળખાયા અને અન્ય લોકો કે જેમણે આ મનુસ્મૃતિ નાં કાળા કાયદા ને માનવા ઈન્કાર કર્યો તેમને ગામની બહાર અસ્પૃશ્ય (SC) તરીકે રહેવા મજબુર કરાયા. ગામની બહાર રહેતા આ લોકો સમય જતાં અતિશુદ્ર અથવા પંચમ્ તરીકે ઓળખાવા લાગ્યા.

અતિશુદ્ર તરીકે ઓળખાતા આ લોકો ને ફરજીયાત ગામની બહાર રહેવું પડતું. આ લોકો ની થુંક થી જમીન અપવિત્ર થઈ જાય માટે તેમણે થુંકવા માટે ગળા માં મટકું બાંધવું પડતું. અસ્પૃશ્ય લોકો નાં પગ થી જમીન મેલી અને ગંદી થઈ જાય માટે તેઓએ પગ ની છાપ ભુંસવા માટે પીઠ પાછળ સાવરણો બાંધવો પડતો. એમના પડછાયા થી સ્પૃશ્ય કહેવાતા જાતિવાદી લોકો અપવિત્ર થઈ જતાં હોવાથી ભરબપોરે (ત્યારે માણસ નો પડછાયો સૌથી ટુંકો હોય) અને રાત્રે (ત્યારે પડછાયો જ ન હોય) જ ગામ માં પ્રવેશ કરી શકતા. એમના પગ માં ધંટડી બાંધવી ફરજીયાત હતી જેથી આ મનુવાદીઓ ધંટડી નો અવાજ સાંભળી ભુલ થી પણ આ લોકો ને અડકી ન જાય.

અસ્પૃશ્ય ગણવામાં આવતા આ નિર્દોષ માણસો સાથે પશુ થી પણ બદતર વ્યવહાર કરવામાં આવતો. ગામ નાં જાહેર તળાવ અથવા નદી માં કુતરા-બિલાડા પાણી પી શકતા પણ અછુત નહીં. જાતિવાદી માનસિકતા ધરાવતા મુઠ્ઠીભર શૈતાનો દ્વારા આ કરોડો લોકો ને સત્તા, સંપત્તિ અને શિક્ષણ સહીત ના તમામ મુળભુત અધિકારો થી સંપુર્ણ વંચિત રાખવામાં આવેલ.

મનુસ્મૃતિ નાં એક શ્લોક મુજબ એવું કહેવામાં આવ્યું છે કે "સત્યનાપે હી શુદ્રેણ ન કાર્યો ધનસંચયી, શુદ્રાપી માસાદયે બ્રાહ્મણાનેવ ભાદતે" અર્થાત સામર્થ્યવાન હોવા છતાં શુદ્રો એ ધન એકઠું ન કરવું જોઈએ, ધન એકઠું થવાથી તેઓ બ્રાહ્મણો વિરૂધ્ધ બદલો લઈ શકે છે.

અછુત સમાજ નાં લોકો ને મરેલા ઢોર નું માંસ ખાવા માટે મજબુર બનાવાયા હતા. આ લોકો માટે તથાકથિત ધાર્મિક પુસ્તકો નાં શ્લોક તથા ૠચાઓ બોલવા તથા સાંભળવા પર સંપુર્ણ પ્રતિબંધ હતો. આમ્ કુદરત ની સૌથી બેનમુન રચના માણસ ને માણસ દ્વારા જ ગુલામ થી પણ બદતર જીંદગી જીવવા માટે મજબુર કરવામાં આવેલા હતા.

મધ્યભારત કાળ માં મુગલ શાશન દરમિયાન પણ રૂઢીવાદી શાશન વ્યવસ્થા નાં કારણે અસ્પૃશ્યતા ની આ મનુવાદી વ્યવસ્થા કાયમ રહી અને અછુતો ની હાલત માં કોઈ જ બદલાવ આવ્યો નહીં પરંતું આધુનિક ભારત નાં ઇતિહાસ માં બ્રિટીશ લોકો નાં આગમન સાથે જ અસ્પૃશ્ય ગણાંતા કરોડો લોકો ના ભાગ્ય ખુલી ગયા. અંગ્રેજો કોઈ જ પ્રકાર નાં ઉંચ-નીચ અને જાતિ વ્યવસ્થા માં માનનારા ન હતા.

અંગ્રેજોએ તમામ લોકો માટે શિક્ષણ નાં દરવાજા ખોલી નાખ્યા. બધા લોકો ને સમાન તક આપી નોકરીઓમાં પણ પુરતું પ્રતિનિધિત્વઔ આપ્યું. બ્રિટીશ ભારત ની આર્મી માં શુરવીર ગણાતી મહાર તથા ચમાર જાતિ ને અલગ થી રેજીમેન્ટ બનાવી સન્માનિત કરી. અંગ્રેજ સલ્તનત દરમિયાન અછુત ગણાતી નીચી જાતિ નાં ધણાં બધા લોકો ને તેમની લાયકાત પ્રમાણે ઉચ્ચ અધિકારી નાં પદ પર પણ નોકરીઓ આપવામાં આવી.

બ્રિટીશ ભારત સરકાર ની સમાનતાવાદી નીતિ નાં કારણે જ રાષ્ટ્રપિતા મહાત્મા ફુલે, અનામત નાં જન્મદાતા છત્રપતિ શાહુજી મહારાજ, આત્મસમ્માન આંદોલન નાં જનક પેરીયાર રામાસ્વામી તથા વિશ્વરત્ન બાબાસાહેબ આંબેડકર જેવા મહાપુરૂષો ભણી શક્યા તેમજ ભારતીય સમાજ માં ચાલતી ગૈરબરાબરી વાળી વ્યવસ્થા સામે લડી શક્યા.

જો અંગ્રેજો ભારત માં આવ્યા ન હોત તો હજ્જારો વર્ષોથી ગુલામી ની જીંદગી જીવતા અછુતો ની હાલત હજુ મનુસ્મૃતિયુગ પ્રમાણે બિલ્કુલ ખરાબ હોત. બ્રિટીશ ભારત સમય માં અનેક કાયદાઓ અને ફતવાઓના માધ્યમ થી સરકાર દ્વારા અસ્પૃશ્યતા દુર કરવા ધણાં બધા પ્રયત્નો થયા હતા. પરંતુ મનુવાદી માનસિકતા ધરાવતા જાતિવાદી લોકો ને આ વ્યવસ્થા પરીવર્તન મંજુર ન હતું.

ભારત ની આઝાદી પછી બંધારણ ના ધડવૈયાઓએ અસ્પૃશ્યતા ને હિંદુ ધર્મ નું કલંક ગણી કાયદાકીય રીતે આભડછેટ દુર કરવા માટે બંધારણ માં જોગવાઈ કરી અસ્પૃશ્યતા નિવારણ ના અધિકાર ને મુળભુત અધિકાર તરીકે સ્થાન આપવામાં આવ્યું. પરંતુ આઝાદી નાં 70 વર્ષ પછી પણ અછુત ગણાંતા કરોડો લોકો નાં જીવન માં કેટલો ફર્ક પડ્યો છે તે આપ સૌ સારી રીતે જાણો છો.

અંગ્રેજી અખબાર 'ઈન્ડિયન એક્સપ્રેસ' દ્વારા હાથ ધરાયેલા સર્વે અંતર્ગત ગત્ વર્ષે પ્રથમ પેજ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ભારત માં હજુ 30 કરોડ લોકો અસ્પૃશ્યતા માં માને છે અર્થાત ચોથા ભાગ નાં ભારતીયો આભડછેટ ની વ્યવસ્થા નાં પક્ષધર છે.

ભારત માં સૌથી વધુ વેચાણ ધરાવતું અંગ્રેજી અખબાર 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'  નાં એપ્રિલ 2016 નાં અહેવાલ પ્રમાણે ગુજરાત નાં 25% બાળકો આભડછેટ નાં કારણે પોલીયો નાં ટીપા પીવાથી વંચિત રહી જાય છે.

હજુ સુધી અસ્પૃશ્ય ગણાંતા એકપણ વ્યકિત ને કોઈપણ હિંદુ મંદિર માં પુજારી તો ઠીક પણ મંદિર નો ધંટ વગાડવા પણ રાખવા દેવામાં આવતો નથી. અનામત સીટ પરથી ચુંટાયેલા સરપંચો ગ્રામપંચાયત માં અન્ય સવર્ણ જાતિ નાં લોકો સામે ખુરશી પર પણ નથી બેસી શકતા. આ તમામ પરિસ્થિતિઓ માટે કહેવાતા સવર્ણો ની મનુવાદી માનસિકતા જ જવાબદાર છે.

તમે બધા લોકો ખુબ સારી રીતે જાણો છો કે, આપણા દેશ નાં પુર્વ નાયબ વડાપ્રધાન અને જાણીતા કોંગ્રેસી નેતા બાબુ જગજીવનરામ દ્વારા વર્ષ 1977 માં ઉત્તરપ્રદેશ ખાતે સ્વામી સંપુર્ણાનંદજી ની પ્રતિમા નું અનાવરણ કર્યા પછી તે પ્રતિમા ને જાતિવાદીઓ દ્વારા ગૌમુત્ર થી ધોવામાં આવેલી.

વર્ષ 2015 માં દેશ ની બંધારણીય સંસ્થા 'રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ' નાં તત્કાલિન અધ્યક્ષ અને હાલ કોંગ્રેસ પાર્ટી નાં રાષ્ટ્રીય પ્રવક્તા પી.એલ.પુનીયા ને અનુસુચિત જાતિ નાં હોવાના કારણે બ્રાહ્મણ પુજારીઓ દ્વારા હિંદુ મંદિર માં જતા અટકાવાયા હતા.

બિહાર નાં પુર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી દ્વારા પોતાના મુખ્યમંત્રી ના કાર્યકાળ દરમિયાન ફુલહાર કરાયેલી સરદાર પટેલ ની પ્રતિમા ને સવર્ણો દ્રારા ગૌમુત્ર થી શુદ્ધ કરવામાં આવેલી.

હમણાં તાજેતર માં જ ઉત્તરપ્રદેશ ની ચુંટણી પછી પુર્વમુખ્યમંત્રી અખિલેશ યાદવ ની જગ્યાએ નવા નિમાયેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા ખાલી કરાયેલા મુખ્યમંત્રી આવાસ ને ગૌમુત્ર તથા હવન દ્વારા શુદ્ધ કરાવી પોતાની મનુવાદી માનસિકતા નો પરીચય આપેલ.

આવા તો હજ્જારો કિસ્સાઓ છે અને કરોડો લોકો રોજ આભડછેટ નો શિકાર બને છે. આ આભડછેટ ફક્ત અનુસુચિત જાતિ (SC) કે અનુસુચિત જનજાતિ (ST) નાં લોકો સાથે જ નહીં પણ અન્ય પછાત વર્ગ/બક્ષીપંચ (OBC) નાં લોકો સાથે પણ રાખવામાં આવે છે.

ઉપરોક્ત દર્શાવ્યા પ્રમાણે નાં ઉચ્ચ રાજકીય હોદ્દા ધરાવતા લોકો સાથે પણ જાહેર માં આભડછેટ રાખી અપમાનિત કરવામાં આવતા હોય તો દેશ ની અન્ય ગરીબ અને અભણ પ્રજા ની શું હાલત હશે તે તમે વિચારી શકો છો.

આભડછેટ થી ભારત નાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ના કુલ 32 કરોડ લોકો સીધા જ અસરગ્રસ્ત છે. અસ્પૃશ્યતા નિવારણ બાબતે અમોએ સંયુક્ત રાષ્ટ્ર સંધ નાં સેક્રેટરી જનરલ ને સંબોધી ન્યુયોર્ક હેડકર્વાટર ખાતે લેખીત ફરીયાદ કરેલી છે જે અંતર્ગત આ મુદ્દો હાલ સંયુક્ત રાષ્ટ્ર સંધ નાં માનવ અધિકાર આયોગ માં ચાલી રહ્યો છે.

અમો "સામાજીક એકતા અને જાગૃતિ મિશન" અંતર્ગત અસ્પૃશ્યતા નિવારણ માટે કામ કરીએ છીએ તેમજ ગુજરાત નાં ગામડાઓમાં આભડછેટ દુર કરવા માટે વિવિધ કાર્યક્રમો નાં માધ્યમ થી લોકો ને જાગૃત કરીએ છીએ.

ગુજરાત નાં ધણાં બધા ગામડાઓમાં હજુ વાળંદ અનુસુચિત જાતિ નાં લોકો નાં વાળ-દાઢી કાપતા નથી. હજુ અનુસુચિત જાતિ નાં લોકો માટે ધણી બધી હોટેલો માં ચા ની રકાબીઓ તથા ગ્લાસ અલગ રાખવામાં આવે છે. સવર્ણો ની સામે અનુસુચિત જાતિ ના લોકો ખુરશી કે ઢોલીયા પર બેસી શકતા નથી. ધણાં બધા હિંદુ મંદિરો માં હજુ અનુસુચિત ના લોકો માટે પ્રવેશ વર્જીત છે.

ગુજરાત નાં ગામડાઓમાં હજુ પણ સામાજીક બહિષ્કાર ની ધટનાઓ વારંવાર બને છે. જાતિ આધારીત કરવામાં આવતા અત્યાચારો અટકવાનું નામ જ નથી લેતા. અછુતો ની આ પરિસ્થિતિ જોઈ ઘણીવાર તો મને એમ લાગે કે મનુવાદી સામાજીક વ્યવસ્થા સામે આ લોકો આવનારા સમય માં હિંસક વિદ્રોહ કરે તો નવાઈ નહીં કારણ કે જ્યારે સહનશક્તિ નો અંત આવે ત્યારે જ ક્રાંતિ ની શરૂઆત થાય છે.

જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાંઓ લેવામાં નહીં આવે ત્યાં સુધી આભડછેટ ની આ બદતર વ્યવસ્થા ચાલુ જ રહેવાની છે અને વર્તમાન સમય માં બની રહેલા થાનગઢ હત્યાકાંડ, રોહીત વેમુલા મર્ડર કેસ, ઉનાકાંડ તથા સહારનપુર હત્યાકાંડ જેવા જાતિ આધારીત અત્યાચારો નાં બનાવો અટકશે નહીં

ભારત સરકાર ને મારો એક જ સંદેશ છે કે 'અનુસુચિત જાતિ નાં લોકો પર થતાં અત્યાચારો ના બનાવો વખતે મગર ના આંસુ સારવાને બદલે, અત્યાચાર નિવારણ નાં કાયદાઓ ફક્ત કાગળ પર મજબુત કરવાનાં નાટકો કરવાને બદલે, બાબાસાહેબ આંબેડકર નું નામ વટાવી દલિત હમદર્દી નો ખોટો ડોળ બંધ કરી, આભડછેટ હટાવવા માટે કોઈ ઠોસ અને મજબુત કદમ ઉઠાવી ને અસ્પૃશ્યતા ને આપણા દેશ માંથી ખતમ કરો.

અમેરીકા નાં 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન દ્વારા અમલ માં મુકાયેલી ત્યાંના નિગ્રો (હબસી) લોકો ની ગુલામીપ્રથા દુર કરવાની ઐતિહાસીક નીતિ ને ભારત માં પણ લાગુ કરવાની ખાસ જરૂર છે. ભારત માં અત્યારે અછુતો ની હાલત જે-તે સમય નાં અમેરીકા નાં નિગ્રો કરતાં પણ બદતર છે. જો અમેરીકા માં ગુલામીપ્રથા દુર થઈ શકતી હોય તો ભારત માં આભડછેટ કેમ નહીં ?

અસ્પૃશ્યતા ની ઉધઈ આપણાં દેશ ને ખોખલો કરી રહી છે. આપણે અવાજ ઉઠાવવો પડશે, વિદ્રોહ કરવો પડશે, લડવું પડશે, લડવું પડશે આપણાં દેશ નાં વજુદ માટે. જ્યાં સુધી બધા માણસો સ્પૃશ્ય ન બને ત્યાં સુધી દરેક વ્યકિત અસ્પૃશ્ય છે.

ગરીબ હોવું ખરાબ જરૂર છે પણ એટલું ખરાબ નથી જેટલું ખરાબ છે અછુત હોવું. ગરીબ સ્વાભિમાની બની શકે છે, સ્વાભિમાની બની શકતો નથી અછુત ક્યારેય.

ભારત ની વર્તમાન જાતિવાદી વ્યવસ્થામાં અછુત હોવા કરતાં ગરીબ હોવું હોવું હજ્જાર દરજ્જે સારૂં કારણ કે દેશ માં અસ્પૃશ્ય લોકો પર થતાં અત્યાચારો તેની આર્થિક સ્થિતિ ને કારણે નહીં પરંતુ સામાજીક દરજ્જા ને ધ્યાને રાખી ને કરવામાં આવે છે.

આ લડાઈ ભારત નાં ભાગ્ય ને બદલવાની લડાઈ છે, આ લડાઈ જાતિવાદ અને મનુવાદ ને ખતમ કરવાની લડાઈ છે.

અછુત ગણાંતા કરોડો લોકોએ અસ્પૃશ્યતા નિવારણ માટે લડવું પડશે, સંધર્ષ કરવો પડશે આ ગૈરબરાબરી વાળી વ્યવસ્થા સામે. સંધર્ષ વિના ગુમાવેલા અધિકારો ક્યારેય પાછા ન મળે કારણ કે સ્વાર્થી લોકો વિનયપુર્વક ની વાત માનતા નથી.

*આભડછેટ થી આઝાદી એ અમારી માંગ નહીં પણ જીદ્દ છે..!!*


આપનો મિશનસાથી

આયુ. કેવલસિંહ રાઠોડ
સંયોજક - સામાજીક એકતા અને જાગૃતિ મિશન*જય ભારત..*