કોળી સમાજ ની સાચી કુળદેવી વિરાંગના ઝલકારી બાઈ..!!

- September 02, 2017
ગુજરાત ના કોળી સમાજ ના લોકો બક્ષીપંચ અર્થાત અન્ય પછાત વર્ગ ની શ્રેણી માં આવે, ગુજરાત સિવાય ના અન્ય તમામ રાજ્યો ના કોળી લોકો ને અનુસુચિત જાતિ નો બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે.

આજે આપણે વાત કરીએ, કોળી સમાજ ની પરાક્રમી વિરાંગના ઝલકારી બાઈની કે જેણે ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ નો જીવ બચાવવા પોતાના પ્રાણ ની આહુતિ આપી દિધી હતી.

સન્ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ માં દલિત-પછાત વર્ગ ની ઝુઝારુ મહિલાઓએ ખભે થી ખભો મિલાવી ને લડાઈઓ લડી હતી. વિરાંગના ઝલકારી બાઈ તે બધા માં શિરમોર હતી.

"રણચંડી બનકર જો અંગ્રેજો પર કિલકારી થી, ગોલીયોં સે છલની હુઈ વહ લક્ષ્મી નહીં ઝલકારી થી."

મધ્યપ્રદેશ ના બુંદેલખંડ જીલ્લા ના ઝાંસીનગર પાસે આવેલા ભોજલા ગામે તારીખ 22 નવેમ્બર 1830 ના રોજ ઝલકારી નો જન્મ થયેલો. બચપણ નું નામ ઝલરીયા. પિતા ખેડુત અને સૈનિક. બાળપણ થી જ પિતાએ તેને તલવારબાજી, ઘોડેસવારી, યુદ્ધ અને સાહસ ના પેંતરા શિખવાડેલા પરીણામે તેણીની નિર્ભય અને લડાકુ બની હતી.

જંગલ માં લાકડા વિણવા ગયેલી ઝલકારી ને બાર વર્ષ ની વયે જ ખુંખાર વાઘ સાથે યુદ્ધ થતાં, પોતાની કુહાડી ના ધા થી તેણીની એ વાઘ ને પુરો કરી દિધો હતો આથી સમગ્ર વિસ્તાર માં તેણીની 'વાઘમારી' તરીકે ઓળખાતી. એક વખત ગામ ના મુખી ને ત્યાં આવેલા ડાકુઓને તેણે લાકડી ના જોરે ભગાડી દિધેલા અને 'ગામ ની દિકરી' તરીકે જાણીતી થયેલ.

13 વર્ષ ની વયે ઝાંસી ના પુરણ કોળી નામના વણાટ કામ કરતા અનુસુચિત જાતિ ના યુવાન સાથે તેણીની ના લગ્ન થયા. પુરણ લશ્કર માં નોકરી સાથે વણાટ કામ કરતો.

તે દરમિયાન ઝલકારી, રાણી લક્ષ્મીબાઈ ના સંપર્ક માં આવી. દેહ, રૂપ, રંગ, ઠસ્સો ને સાહસિકતા બંને માં સરખા, જાણે જોડીયા બહેનો. રાણીએ તેણીને કુસ્તી, મલખમ, ભાલાફેંક અને બંદુક ચલાવતા શિખવેલું. કેટલાક મનુવાદી રૂઢીચુસ્તો ને આ ગમતું નહીં. ઝલકારીએ ઝાંસી સૈન્ય માં મહિલા બ્રિગેડ ઉભી કરી હતી. આ મહિલા બ્રિગેડ ની સેનાપતિ ઝલકારી બાઈ હતી.

થોડા સમય પછી વિદેશી અંગ્રેજોએ ઝાંસી ખાલસા કર્યુ. રાણીએ 'મેરી ઝાંસી નહીં દુંગી' નો પડકાર ફેંક્યો, ધમાસાણ યુદ્ધ થયું. ઝલકારી બાઈ અને પુરણ કોળી સહીત નાં દલિત-પછાતો ની સેના રાણી નાં પક્ષે હતી.

રાજ ના ગદ્દારો ની ગદ્દારી થી અંગ્રેજ સૈન્ય ઝાંસી માં ધુસ્યું, રાણી ને રાતોરાત બિઠુર પહોંચાડવાની ઝલકારીએ યોજના મુકી. પોતે પોતાના કટકદળ સાથે 'રાણી લક્ષ્મીબાઈ' બની ને અંગ્રેજો સામે મર્દાનગીથી ઝીંક ઝીલતી રહી. અંગ્રેજો ના છક્કા છુટી ગયા. રાણી બચી ગયા. પતિ પુરણ કોળી અને વિરાંગના ઝલકારી બાઈ શહીદ થયા.

બ્રિટીશ સેનાપતિ જનરલ હ્યુરોજ બોલી ઉઠ્યો, "ભારત ની એક ટકો યુવતીઓ આ છોકરી ની જેમ માતૃભુમી માટે પાગલ બની જાય તો અમારે અહીં થી ઉચાળા ભરવા પડે..."

આવા પરાક્રમી વીર-વીરાંગનાઓની ઈતિહાસ ગાથા સાંભળીએ ત્યારે લાગે કે અસ્પૃશ્યતા ની વિકૃતિમાંથી જન્મેલી અનેક યાતના અને અડચણો પછી એમણે એમની પ્રતિભા નાં દર્શન દેશ અને સમાજ ને કરાવ્યા.

"દરેક વ્યકિત ને શસ્ત્ર હાથમાં લેવાનો હક્ક હોત તો સમાજ પાંગળો ન થયો હોત અને આ ભારત દેશ એક હજાર વર્ષની ગુલામી નો ભોગ ન બન્યો હોત."

કોળી સમાજ સહિત ની તમામ મહિલાઓએ પોતાની સાચી કુળદેવી વિરાંગના ઝલકારી બાઈ ના જીવન સંધર્ષ માંથી પ્રેરણા લેવી જોઈએ..!!
  લી.

- આયુ.ભારતીબેન સરવૈયા
( મિનાક્ષી રાઠોડ મેમોરીયલ ટ્રસ્ટ )જય ભીમ..
જય ભારત...